Friday, October 4, 2013

E-Library - Useful for Students

પુસ્તકાલય વિજ્ઞાનના પ્રણેતા : એસ. આર રંગનાથન


મહાનુભાવ
પદ્મશ્રી શિયાલી રામઅમૃતા રંગનાથનના જન્મદિનને દેશભરમાં રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ ઉજવવામાં આવે છે
બાળદોસ્તો, આજે આપણે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીને સુઘડ રીતે જોઈએ છીએ. પુસ્તકાલયની દેખરેખ, જાળવણી અને સંવર્ધન પણ એક નોખા અભ્યાસક્રમ તરીકે હવે ખ્યાતિ પામ્યું છે. આપણા દેશમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પાયો નાખનાર એસ.આર. રંગનાથનનું આખું નામ શિયાલી રામઅમૃતા રંગનાથન હતું. ગઈ કાલે જ જેમનો નિર્વાણદિન હતો તેવા પ્રમાણમાં ઓછા જાણીતા લાઇબ્રેરિયનનો આજે પરિચય મેળવીએ.
* એસ.આર. રંગનાથન ગણિતશાસ્ત્રી અને લાઇબ્રેરિયન હતા. પુસ્તકાલયની દેખરેખ તથા સંભાળની કામગીરીને તેમણે એક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરી. તેમણે લાઇબ્રેરી સાયન્સના પાંચ નિયમો બનાવ્યા. એ એમનું સૌથી મોટું પ્રદાન હતું. એમણે પહેલી વાર લાઇબ્રેરી વિજ્ઞાનમાં વિશ્લેષણાત્મક વર્ગીકરણની પ્રથા વિકસાવી. એમને ભારતમાં લાઇબ્રેરી વિજ્ઞાન, દસ્તાવેજીકરણ તથા માહિતી નિર્દેશનના પિતા ગણાવાય છે. તેઓ તેમની કામગીરીથી વિશ્વભરમાં પ્રખ્યાત થયા. ભારતમાં તેમના જન્મદિવસને નેશનલ લાઇબ્રેરી ડે તરીકે ઉજવવામાં આવે છે.
* રંગનાથનનો જન્મ ૧૮૯૨ની ૧૨મી ઓગસ્ટે તાંજોરના રાજા અમૃતમાં થયો હતો. હાલ તમિલનાડુમાં આવેલું તેમનું જન્મ સ્થળ સિરકાઝી તરીકે ઓળખાય છે. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી ગણિત સાથે બીએ. એમએ. પદવી હાંસલ કરી.
* એસ.આર. રંગનાથન ૧૯૪૫થી ૪૭ દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના લાઇબ્રેરિયન અને લાઇબ્રેરી સાયન્સના પ્રોફેસર હતા. ૧૯૪૭થી ૫૫ દરમિયાન તેઓ દિલ્હી યુનિ.માં પ્રોફેસર રહ્યા હતા. છેલ્લે તેમણે ઇન્ડિયન સ્કૂલ ઓફ લાઇબ્રેરિયનશિપના પ્રથમ ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી.
* ઈસવીસન ૧૯૪૪થી ૧૯૫૩ સુધી તેમણે ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી. ૧૯૫૭માં તેઓને ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશનના ઇન્ટરનેશનલ ફેડરેશનના માનદ સભ્ય બનાવવામાં આવ્યા હતા.
* એસ.આર. રંગનાથનને બોલવાની તકલીફ હતી. બોલતી વખતે તેમની જીભના લોચા વળતા હતા ને તોતડાપણું હતું. જોકે, પોતાના કામમાં શ્રેષ્ઠ એવા એસ.આર. રંગનાથને પોતાની આ નબળાઈને કદી કામને આડે આવવા દીધી નહીં. સતત અભ્યાસને લઈને તેમણે આ ક્ષતિને પણ સુધારી હતી.
* પુસ્તકાલય વિજ્ઞાનમાં તેમના અસીમ યોગદાનને લઈને ભારત સરકારે તેમને ૧૯૫૭માં પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કર્યો હતો. તેમણે લંડન જઈને યુનિવર્સિટી કોલેજમાં લાઇબ્રેરિયનશિપનો અભ્યાસ કર્યો. ભારતમાં પરત આવી મદ્રાસ યુનિ.માં લાઇબ્રેરી સાયન્સના પ્રોફેસર ને લાઇબ્રેરિયનનો હોદ્દો સંભાળ્યો.
* ૫૪ વર્ષની વયે તેમણે રાજીનામું આપી નિવૃત્તિ લીધી. જોકે ફરી તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં લાઇબ્રેરી સાયન્સ વિભાગ તથા લાઇબ્રેરી સંભાળી. તેમણે વ્યક્તિગત રીતે ૧ લાખ કરતાં વધારે પુસ્તકો-વસ્તુઓનું વર્ગીકરણ કર્યું હતું.

કેન્દ્ર સરકારે તેમને નેશનલ રિસર્ચ પ્રોફેસરનો દરજ્જો આપ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર૧૯૭૨ના રોજ તેઓ અવસાન પામ્યા.